વાદીને સામાન્ય રીતે સિવિલ દાવામાં પુરાવા રજૂ કરવાનું શરૂ કરવાનો અધિકાર
સિવિલ પ્રોસીજર કોડનાં ઓર્ડર ૧૮, રુલ ૧ અન્વયે વાદીને સામાન્ય રીતે સિવિલ દાવામાં પુરાવા રજૂ કરવાનું શરૂ કરવાનો અધિકાર છે. પરંતુ અહિયાં એકમાત્ર અપવાદ એ છે કે, જ્યારે પ્રતિવાદી વાદીના દાવા સ્વીકારે છે પરંતુ દલીલ કરે છે કે, વાદી કાનૂની મુદ્દાઓ અથવા વધારાના તથ્યોના આધારે રાહત મેળવવા માટે હકદાર નથી, ત્યારે પ્રતિવાદીને પુરાવા શરૂ કરવાનો અધિકાર આપી શકાય છે.
વાદીનો પુરાવા રજૂ કરવાની શરૂઆત કરવાનો અધિકાર:
સામાન્ય રીતે વાદીને પુરાવા રજૂ કરવાનું શરૂ કરવાનો અધિકાર હોવાનું માનવામાં આવે છે. આનું કારણ એ છે કે ભારતીય પુરાવા અધિનિયમમાં દર્શાવેલ જોગવાઇઓ મુજબ, વાદી દ્વારા આક્ષેપ કરાયેલા તથ્યો માટે પુરાવાનો ભાર સામાન્ય રીતે તેમના પર રહે છે.
પ્રતિવાદીનો શરૂ કરવાનો અધિકાર (નિયમનો અપવાદ):
જો પ્રતિવાદી વાદી દ્વારા આક્ષેપ કરાયેલા તમામ તથ્યો સ્વીકારે તો તેને પુરાવા શરૂ કરવાનો નિર્દેશ આપી શકાય છે. જોકે, પ્રતિવાદીએ એ પણ દલીલ કરવી પડશે કે, કાયદાના આધારે અથવા તેમણે રજૂ કરેલા કેટલાક વધારાના તથ્યોના આધારે, વાદી જે રાહત માંગી રહ્યા છે તેનો હકદાર નથી.